CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003
આ શિક્ષણ સંસ્થા સાથે જેમનું નામ સંકળાયેલું છે તેવા શ્રી તુલસીદાસ વી. પટેલનો જન્મ ઇ.સ ૧૮૮૮માં ચરોતર પ્રદેશના આણંદ જીલ્લાના ધર્મજ ગામમાં થયો હતો બાળપણથી જ સાહસપ્રિય સ્વભાવ એટલે ચીલાચાલુ શાળા શિક્ષણથી તેમને સંતોષ ન થયો અને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કાર્ય વગર બાર વર્ષની નાની ઉંમરે પોતાનું નસીબ અજમાવવા તેઓ એકલા મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે ફક્ત બે આના હતા.
વ્યાપાર અને સાહસવૃત્તિ જન્મથી જ તેમને સ્વભાવમાં હતાં, એટલે મુંબઈ આવીને પણ કોઈ નાની મોટી નોકરી શોધી કાઢવાને બદલે તેમણે કાપડના ટુકડા વેચવાનો, ફેરીનો ધંધો શરુ કર્યો. આ ધંધામાંથી બે પૈસા કમાયા. આફ્રિકા જવાનું થતા તેમની સાહસિક વૃત્તિએ આ તક ઝડપી લીધી અને સોળ વર્ષની નાની ઉંમરે તે આફ્રિકા ઉપડ્યા. કોઈ ધંધો નીચો નથી અને પ્રામાણિક રીતે કોઈ પણ પ્રકારની મહેનત કરી પૈસા કમાવામાં કોઈ નાનપ ન હોવી જોઈએ, આ સિદ્ધાંત મુજબ આફ્રિકામાં તેમણે ઘેર ઘેર કરી કેન્વાસિંગ કરી, રોજબરોજ વપરાશની ચીજ વસ્તુઓ વેચવાનું શરુ કર્યું. આ પ્રમાણે બે વર્ષ સુધી આફ્રિકામાં ધંધો કર્યા બાદ ત્યાંથી તેઓ ઈંગ્લેન્ડ ગયા.
તેઓ ઝાઝું ભણ્યા ન હતાં અને અંગ્રેજી ભાષાનું તેમનું જ્ઞાન પણ નહીવત હતું છતાં કેવળ પોતાની હૈયાઉકલત, સાહસ, પુરુષાર્થ અને પ્રમાણિકતાથી ઇંગ્લેન્ડ જેવા દેશમાં પણ તેમણે ત્યાંના કાપડના નિકાસ (એક્સપોર્ટ)નો ધંધો શરુ કર્યો અને એવા વિશાળ પાયા પર વિકસાવ્યો કે માત્ર મુંબઈમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કાપડના ઈમ્પોર્ટના ધંધામાં તેમનું નામ અગ્રસ્થાને ગણાયું. ઇ.સ.૧૯૦૯માં તેમણે મે.તુલસીદાસ વી.પટેલના નામે મુંબઈમાં ઓફીસ શરુ કરી. વડોદરામાં મે.તુલસીદાસ વી.પટેલ એન્ડ કું એ નામે બીજી ઓફીસ શરુ કરી. આ બંને ઓફિસેથી તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા અને પશ્ચિમના બીજા દેશોમાંથી કાપડ ઈમ્પોર્ટ કરવાનો ધંધો એવા પાયા પર શરુ કરી વિકસાવ્યો કે કાપડના ઈમ્પોર્ટ કરનાર વેપારીઓમાં આખા દેશમાં મે.તુલસીદાસ વી.પટેલનું નામ મોખરે રહ્યું. આ ધંધાના વિકાસ માટે ઇ.સ. ૧૯૩૮માં તેમણે અમેરિકાની મુસાફરી પણ કરી હતી. બોમ્બે કટ-પીસ અને પીસ-ગુડસ મર્ચન્ટ એસોસીએશનમાં એ સ્થાપક પ્રમુખ બન્યા અને લાગલાગટ બાર વર્ષ સુધી તેઓ આ સંસ્થાના પ્રમુખ રહ્યા હતાં. ધંધાકીય તેમજ સામાજિક ક્ષેત્રે પણ શ્રી તુલસીદાસ વી. પટેલની નામના સંસ્થા પછી તે કેળવણી, ધાર્મિક, કે સામાજિક કોઈપણ ક્ષેત્રની હોય. તેમાં તેની ઉદાર સખાવત હોય જ. ધર્મજ ગામમાં વ્યાયામશાળા, ધર્મશાળા વગેરે અન્ય સામાજિક સંસ્થાઓમાં પણ તેમના મોટા દાન છે. એવા દાનવીર શ્રી તુલસીદાસ વી.પટેલ અને તેમના સંતાનોના આપને ઋણીછીએ કે, જેમણે આપણી સંસ્થાને વખતોવખત દાન આપીને હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ઉભી કરી આપી છે.